h2>Dating : મેં રિમાઇન્ડર સેટ કર્યું, દર ૬ કલાકે ચુડેલને ફોન કરી એની પાસે એ ફોટો માંગવાનું યાદ કરાવે.
મેં રિમાઇન્ડર સેટ કર્યું, દર ૬ કલાકે ચુડેલને ફોન કરી એની પાસે એ ફોટો માંગવાનું યાદ કરાવે.
તમે વિચારતા હશો, કે એ ફોટોમાં એવું તો શું છે કે રિમાઇન્ડર સેટ કરવું પડ્યું!!
આમ તો એનામાં એવું કંઈ ખાસ ન હતું, પણ એણે પહેરેલો એ નેવી બ્લ્યુ કલરનો ઝભ્ભો, મુખ પર નાનકડું સ્મિત, આંખોનું એ તેજ અને એનાં કપાળે ચોળેલો લાલ રંગનો નાનકડો ચાંદલો મને તો શું કોઈને પણ હિપ્નોટાઇસ કરવા માટે પૂરતું હતું.
એને મેં જ્યારે પકહેલી વખત જોઈ હતી ત્યારે ખબર નહીં કેમ મારુ મન બેબાકળું થઈ ગયું હતું એની સાથે વાત કરવા, એ કોણ છે એ જાણવા, આમ તો એ પણ પહેલી નજરનો પ્રેમ જ હતો. પણ આવાં પ્રેમ મને દરેક છોકરાની જેમ ઘણી વખત થયાં હતા. પણ અહીંયા વાત કંઈક અલગ હતી. મેં શરૂઆત કરી અને રિસ્પોન્સ પણ મળ્યો હતો. અને ધીમે ધીમે અમે પગથિયાં ચઢતાં ગયા. સોરી, અમે નહીં. ફક્ત હું!!
મિત્રતાની એ મૌસમમાં લાગણીઓની કૂપણ ફૂટવા લાગી હતી. રોજ બરોજની એક બીજા સાથે થતી વાતોમાં એક બીજાને લગભગ ખુદથી વધારે જાણી લીધા હતા. પણ કહેવાય છે ને કે સુખ દુઃખનાં દસકા હોય છે. એમ અમારી એ મિત્રતામાં પણ એક એવો તબક્કો આવ્યો હતો. જ્યાં બે અજાણ્યા એક સાથે લાંબી મઝલ કાપ્યા પછી ફરી અજાણ્યા બની રહ્યા હોય. પણ લાગણીઓની થોડી વાંછટે આ મિત્રતાને ટકાવી રાખી.
મને નથી ખબર કે આ મિત્રતામાં ક્યાંક કોઈ પ્રેમનો અંશ છે કે નહીં ? અને જો હોય તો મારે એ શોધવો પણ નથી. કેમકે સંબંધોને જરુર કરતા વધારે પંપાળો તો એ હાથમાંથી સરી પડે છે.
અને બોસ પછી એન્ટ્રી થઈ મી. કોરોનાની. અને એમ કહું કે આ એ જ ઋતુ છે. જ્યાં આ મિત્રતાએ ફરી એક વાર ઊંચી ઉડાન ભરી. આજે મોબાઈલમાં મોઢે થઈ ગયેલ એક નંબર ઉપરથી ફોન આવ્યો અને મેં તરત ઉપાડી લીધો. અને કલાકો સુધી વાત કરતો રહ્યો, અને વાત વાતમાં એણે કીધું, દિપેશ, પેલો ચાંદલાવાળો ફોટો મને મળી ગયો. લેપટોપ માં જ હતો.
મેં કીધું, ફોન મુક અને પહેલા મને એ ફોટો મોકલ.
પણ એણે મને ફોટો આપવો ન હોય એમ બહાનું ધરતાં કીધું, મારુ લેપી હાલ બંધ છે, હું કાલે ચાલું કરીશ ત્યારે આપીશ.
મેં એને ચોવીસ કલાક આપ્યા છે. અને આ વખતે એને હું કોઈ પણ રીતે ગુમાવવાં નથી માંગતો. અને બસ હવે તો મારી ચૂડેલદેવીના કપાળે ચોળેલ ચાંદલાનાં દર્શન કરવા આંખો તરસી રહી છે.
લોકોને ગાઢ મિત્રતાનાં પરિણામમાં પ્રેમ થાય છે. પણ મને સ્નેહ થયો છે. અને એ મને છેક આજે વર્ષો બાદ સમજાયું.
અને હા, મારો પહેલી નજરનો સ્નેહ આજે પણ એટલો જ ગાઢ અને એટલો જ અંકબંધ છે.